પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)આજથી 88 વર્ષ પહેલા સુદામાપુરી પોરબંદરમાં કન્યા કેળવણી માટે 90 એકરની વિશાળ તપોભૂમિમાં વિરાટ શૈક્ષણિક સંકુલનું સર્જન કરનાર યુગ પ્રવર્તક શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતાના 56માં નિર્વાણ દિને યોજાયેલા સ્મૃતિ વ્યાખ્યાન માળાનું 53મું વ્યાખ્યાન અવિસ્મરણિય બની રહેલ છે.
પ્રસિધ્ધ મોટીવેશનલ સ્પીકર ધર્મેન્દ્રભાઈ કનાલાએ “હવે તો ગર્લ્સ પણ ગેમ ચેન્જર છે” એ વિષય પર ખૂબજ મનનીય અને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું તેઓશ્રીએ વ્યાખ્યાનના પ્રારંભમાં જણાવેલ કે સુદામાપુરીમાં આવવાનું તો કોને ન ગમે? જે શહેર મહાભારત સાથે સંકળાયેલું હોય એ શહેરમાં તો દરેકને ગમે.
આ અવસરની શરૂઆત ગુરુકુલ પરંપરા મુજબ વેદ્દમંત્રથી કર્યા બાદ આચાર્યા ડૉ.રંજના મજીઠીયાએ સૌનું શબ્દોથી સ્વાગત કરી અતિથિ વિશેષનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તેમજ વક્તા તરીકે ધર્મેન્દ્રભાઈએ તેમનું વ્યાખ્યાન ચાર ભાગમાં પ્રસ્તુત કર્યું હતું. (1)સુંદરતા (2)મક્કમતા (3)ધીરજ (4)ઈનોવેશન જેમાં સુંદરતા વિષે વાત કરતા મેરી એન બીવાનનું ઉદાહરણ આપતાં કહયું હતું કે આમણે ધ અગ્લીએસ્ટ વુમન ઇન ધ અર્થ’ સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો પરંતુ આજ એમને આખું વિશ્વ ‘ધ મોસ્ટ બ્યુટીફુલ વુમન ઇન ધ અર્થ’ તરીકે ઓળખે છે કેમકે તેઓ ચહેરાથી નહીં હ્રદયથી સુંદર હતા એજ રીતે એમણે નીયતી જોષી, એનોક આઈ, રાણી લક્ષ્મીબાઈ વગેરે વાસ્તવિક ઉદાહરણો આપી કહયું હતું કે દરેકે પોતાના મોબાઈલના વોલપેપર પર 51(ક) રાખવા જોઈએ.ત્યારબાદ સુંદરતાથી મક્કમતા તરફ જતા તેમણે ઈન્દીરા ગાંધી, પૂજા ગુપ્તા, કીરણ બેદી, અરુણીમા સિન્હા વગેરેના જીવનમાં તેઓએ મક્કમતા પૂર્વક કેવી રીતે વિપરીત સંજોગે તે લડત આપી સફળતા પ્રાપ્ત કરી તે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “મનકે હારે હાર હૈ મન કે જીતે જીત”.
તેમના ચોથા ભાગ ધીરજની વાત તેમણે તેમની જ વિદ્યાર્થિની કોમલ ગણાત્રા તથા સિંધુતાઈના જીવનની વાત કરી હતી કેવી રીતે તેમણે ધીરજ ન ગુમાવતા જીવનમાં આગળ વધી ન માત્ર સફળતા પ્રાપ્ત કરી ચાર ચોપડી સિંધુતાઈ તો કેટલાયના તારણહાર બન્યા એ જ રીતે એમણે પૂજ્ય સવિતાદીદીને યાદ કરી કહયું હતું કે આપણી સંસ્કૃતિ અને વારસો જ આપણી ઓળખ છે એને કયારેય ગુમાવવા નહીં એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા સવિતાદીદી છે જેને જ્ઞાની ઝૈલસિંધે યોગ શિરોમણી કહયા હતા.
અને છેલ્લે ઈનોવેશન માટે એમણે કચ્છના પાબીબેન રબારીનું ઉદાહરણ આપતા કહયું કે શિક્ષણ ન હોય તો પણ ઈનોવેશન આઈડીયાથી પણ સફળતા પ્રાપ્ત કરી શકાય અને કેવી રીતે તેઓ એક નાનકડા ગામ થી વિદેશ સુધી ખ્યાતિપ્રાપ્ત થયા તેની વાત કરી. ત્યારબાદ તિજનબાઈ, વાંગારી માથાઈ અપાલા તથા હેલનકેલરના માધ્યમથી સંદેશ આપ્યો કે કેવી રીતે ગેમ ચેન્જર બની શકાય છે.
વ્યાખ્યાનના અંતમાં આર્ય કન્યા ગુરુકુલ અંગ્રેજી માધ્યમના પ્રિન્સીપાલ વંદનાબેને ધર્મેન્દ્રભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી તથા ગુજરાતી માધ્યમના આચાર્યા ડૉ.રંજના મજીઠીયાએ શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સ્થાપક પ્રમુખ પદુભાઈ રાયચુરા, ભરતભાઈ રાજાણી, રાજુભાઈ બુધ્ધદેવ, વિજયભાઈ ઉનડકટ, ઈશ્વરભાઈ ભરડા, શહેરના અગ્રણી સેવાભાવી તબીબ ડૉ.સુરેશભાઈ ગાંધી, નિધ્ધિબેન, ઈનરવ્હીલ ક્લબના પૂર્વપ્રમુખ મીનાબેન મજીઠીયા, દિવ્યાબેન દત્તાણી સહીત અનેક શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહયા હતા અવસરના અંતમાં ગુરુકુલ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડૉ.અનુપમભાઈ નાગર સરે આભાર દર્શન કરેલ તથા ગુરુકુલ અને મહેતા પરિવારના સ્વજન સમા સુરેશભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ અવસરની પૂર્ણાહુતિ શાંતિપાઠ દ્વારા થયેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya