મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)વિસનગરની પ્રતિષ્ઠિત એમ.એન. કોલેજ માટે ગૌરવનો પળ આવ્યો છે. કોલેજના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ જુડો રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વડગામ સ્થિત શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલી આંતર-કોલેજ જુડો સ્પર્ધામાં આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી.
કોલેજની વિદ્યાર્થીની વ્યાસ મોક્ષાબેન હેમાંશુકુમાર (બી.એ. સેમેસ્ટર 5)એ 57 કિલો વજન વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ રીતે બી.એ. સેમેસ્ટર 1ના વિદ્યાર્થી પટેલ રોબી ભાવેશભાઈએ 90 કિલો વજન વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમની આ સિદ્ધિ માત્ર કોલેજ માટે જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે.
આ બંને ખેલાડીઓની પસંદગી હવે ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી જુડો સ્પર્ધા માટે થઈ છે, જ્યાં તેઓ યુનિવર્સિટીની તરફથી પ્રતિનિધિત્વ કરશે. આ ભવ્ય સફળતા બદલ એમ.એન. કોલેજના આચાર્ય ડૉ. આર.ડી. મોઢે, શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક પ્રો. રત્નેશ પ્રસાદ તથા સમગ્ર સ્ટાફે તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓની સિદ્ધિ અન્ય માટે પણ પ્રેરણાસ્ત્રોત બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR