પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં એનએફએસએ (રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ) યોજના હેઠળ રેશનકાર્ડ ધરાવતાં લાભાર્થીઓની ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લાના કુલ 2.43 લાખ રેશનકાર્ડ ધરાવતાં લાભાર્થીઓમાંથી 11.45 લાખ સભ્યો યોજનાનો લાભ લઈ રહ્યા છે. ભારત સરકારે પાટણ જિલ્લાને 1.27 લાખ શંકાસ્પદ લાભાર્થીઓની યાદી પાઠવી હતી, જેઓ પાત્રતા ન હોવા છતાં યોજનાનો લાભ લઈ રહ્યા હોવાની આશંકા છે.
જિલ્લા પુરવઠા તંત્રે આ તમામ શંકાસ્પદ લાભાર્થીઓને નોટિસ આપી છે અને તેમના દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. હાલમાં સુધી 15,141 લાભાર્થીઓની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે, જે કુલ શંકાસ્પદોની અંદાજે 10.58% છે. બાકીના લાભાર્થીઓ અંગે તપાસ પ્રક્રિયા ચાલુ છે.
પુરવઠા તંત્રના અધિકારીઓ નોટિસના જવાબમાં પ્રાપ્ત થયેલા દસ્તાવેજોનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જે લાભાર્થીઓ પાત્ર ઠરશે તેમને યોજનામાં યથાવત્ રાખવામાં આવશે, જ્યારે અયોગ્ય પાત્રતાવાળા લાભાર્થીઓને યોજનામાંથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ