મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લામાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ, મહેસાણા વિભાગ દ્વારા સંસ્કૃતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મહોત્સવમાં પ્રશ્નમંચ, શીઘ્ર વક્તૃત્વ, કથા વાર્તા કથન, મૂર્તિ કલા, આચાર્ય પત્ર વાંચન તથા નૃત્ય પ્રદર્શન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. મહેસાણા વિભાગના કુલ 17 વિદ્યાલયોમાંથી 185 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક માટે પ્રમાણપત્ર અને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં પ્રાંત ઉપાધ્યક્ષ ભરતભાઈ મોદી, મહેસાણા વિભાગ અધ્યક્ષ રાજુભાઈ જોષી, પૂર્ણકાલીન કાર્યકર્તા અને વિભાગ સમન્વયક બાબુભાઈ રથવી, સંસ્કૃતિ બોધ પરિયોજના મહેસાણા વિભાગ પ્રમુખ કેતનભાઈ રાવલ, માણસા વિદ્યાલયના ટ્રસ્ટી અને વ્યવસ્થાપકગણ તેમજ શિશુ મંદિર માણસાના પ્રધાનાચાર્ય રાજેન્દ્રસિંહ રાઠોડની વિશેષ હાજરી રહી હતી.
આ સંસ્કૃતિ મહોત્સવ ઉત્સાહ, ઉમંગ અને નવી ઉર્જા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરીને ન માત્ર સ્પર્ધાઓમાં જીત મેળવી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પ્રત્યેની આસ્થા પણ ઉજાગર કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR