જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના નવાગામ ઘેડ સ્થિત મધુરમ સોસાયટીમાં ત્રણેક દિવસથી બંધ પડેલા એક મકાનમાંથી મહિલાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની દુર્ગંધ પ્રસરતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં બંધ શેરીના કેટલાક ટેનામેન્ટમાંથી બંધ રહેલા એક ટેનામેન્ટમાં દુર્ગંધ આવતી હોવાની કોઈએ પોલીસને જાણ કરતા સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો દોડી ગયો હતો.
તે બંધ ટેનામેન્ટ ખોલાવીને જોતા અંદરથી એક મહિલા છતમાં લટકતા જોવા મળ્યા હતા. પોલીસે તે મહિલાને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. અંદાજે ત્રણેક દિવસથી આ ટેનામેન્ટનું બારણું બંધ હતું. પોલીસે બારણું તોડાવવું પડ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મહિલાની ઓળખ મેળવવા તેમજ તેણીની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. મૃતક મહિલાનું નામ ભૂમિબેન મકવાણા હોવાનું જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt