જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં પાણીના ટાકાની દીવાલ તૂટી પડવાના કેસમાં કોન્ટ્રાકટરને નોટિસ પાઠવાઈ છે. અને વર્ક આસિસ્ટન્ટની તાકીદની અસરથી બદલી કરાઈ છે.
જામનગરમાં પાણીના ટાંકાની દીવાલ તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મહાનગર પાલિકા દ્વારા તપાસ હાથ ધરીને દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર ઉપર ઓઢાડી દેવામાં આવ્યો છે. અને કોન્ટ્રાક્ટર પેઢીને નોટિસ પાઠવાઇ છે. જ્યારે વર્ક આસિસ્ટન્ટની અન્યત્ર બદલી કરી નાખવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા હસ્તકના શંકર ટેકરી પાણીના ટાંકાની આશરે ત્રણ દાયકા જૂની દીવાલ ગત શનિવારે તૂટી પડી હતી. આ સમયે ત્યાં બેસીને આરામ કરતા એક યુવાનનું દીવાલના કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ નીપજયું હતું.
આમ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે એક યુવાનને જીવ ગુમાવવો પડ્યો છે. બીજી તરફ મહાનગર પાલિકાએ પણ આ પ્રકરણમાં પાણીના ટાંકાના ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ ધરાવતા રાજકોટના રાધે બિલ્ડર્સ નામના કોન્ટ્રાક્ટર પેઢીને નોટિસ પાઠવવામાં આવી છે જ્યારે વર્ક આસી. તરીકે કામ કરતા જય કટારમલની અન્ય વિભાગમાં બદલી કરી નાખવામાં આવી છે.
પાણીની મોટર બંધ કરવાનું ભુલાઈ જતા સતત પાણીનો વેડફાટ થતો હતો. અને પાણી દીવાલ પાસે એકત્ર થતાં દીવાલ નબળી પડી હતી અને તૂટી પડી હતી તેવું પ્રાથમિક કારણ માંનીને તેના કોન્ટ્રાક્ટર પેઢીને નોટિસ આપી દેવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt