સુરત, 27 ઓગસ્ટ (હિ.સ.)-સુરતના પુણાગામ વિસ્તારમાં એક સનસનીખેજ હત્યાકાંડ બન્યો છે. પુણાગામની સીતારામ સોસાયટી પાસે ડોક્ટરના ભાઈ એવા 38 વર્ષીય વિપુલભાઈ ભુરાભાઈ નકુમની ગામના જ રહેવાસી વિપુલ શંભુભાઈ વાળાએ ચપ્પુના સાતથી વધુ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી.
માહિતી મુજબ, મૂળ ભાવનગરના રહેવાસી અને હાલમાં પુણાગામની વિક્રમનગર સોસાયટીમાં રહેતા વિપુલભાઈ પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે વસવાટ કરતાં હતાં. પરિવારમાં નાનો ભાઈ ડોક્ટર છે, જ્યારે વિપુલભાઈ ગાડી લે વેચનો વ્યવસાય ચલાવતા હતાં.
હત્યાની ઘટના ત્યારે બની જ્યારે વિપુલભાઈ રાત્રે મોડે સીતારામ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતાં. આ દરમિયાન વિપુલ વાળાએ અચાનક ચપ્પુ વડે હુમલો કરી સાતથી આઠ વાર ઘા ઝીંક્યા અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસ સ્ટેશનનો કાફલો, ડી.સી.પી. આલોકકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલાયો છે. પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ માટે અનેક ટીમો બનાવાઈ છે. સી.સી.ટી.વી. ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મૃતક વિપુલ નકુમ અને આરોપી વિપુલ વાળાની વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે વિવાદ હતો. ડીસીપી આલોકકુમારે જણાવ્યું કે હત્યા સમયે બંને સાથે હતા અને મૃતકે આરોપીને પૈસા માટે રોક્યો હતો. આ દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આરોપીનો મોબાઈલ મળી આવ્યો છે અને તેના લોકેશનના આધારે શોધખોળ ચાલી રહી છે.
નોંધનીય છે કે મૃતક વિપુલ નકુમ સામે અગાઉ પણ ચાર ગંભીર ગુનાઓ સહિત કુલ સાત ગુનાઓ નોંધાયેલા હતા. હાલ એલસીબી, વરાછા અને પુણા પોલીસની ટીમો આરોપીને ઝડપવા માટે તજવીજ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે