જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના ધ્રોલથી જોડિયા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા માવાપર પાસે ગઈરાત્રે એક બાઈકની પાછળ ટ્રક ટકરાઈ પડતા જામનગરના બાઈકચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. જ્યારે સોમવારે બપોરે ફલ્લા પાસે ડીઝલ ભરેલા અને સાઈડમાં ઉભેલા ટેન્કર પાછળ બીજો ટ્રક ટકરાઈ પડતા એક હજાર લીટર ડીઝલ રોડ પર ઢોળાઈ ગયું હતું.
જામનગરના ગુલાબ નગરમાં આવેલી રામવાડીની શેરી નં.૪માં રહેતા મહેશભાઈ ધીરજલાલ ડાંગરના ભાઈ રમેશભાઈ ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે ધ્રોલથી જોડિયા વચ્ચેના ધોરીમાર્ગ પર જીજે-૩-જેએચ ૬૩૮૮ નંબરના મોટરસાયકલ પર પસાર થતા હતા.
તેઓ જ્યારે માવાપર ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે એક ભરડીયા નજીક તેઓને જોડિયા રોડ પરથી ધસી આવેલા જીજે-૩૯-ટી ૯૦૦૪ નંબરના ટેન્કરે પાછળથી ઠોકર મારી હતી. રોડ પર પછડાયેલા રમેશભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મહેશભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ટેન્કરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા અને ટેન્કર ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા જીતુદાન અજુભાઈ કુશાળા સોમવારે સવારે અગિયારેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક એક હોટલ પાસે પોતાનું ડીઝલ ભરેલુ ટેન્કર ઉભુ રાખી ચા પીવા ગયા હતા ત્યારે જીજે-૧૦-એક્સ ૯૦૯૯ નંબરનો ટ્રક પાછળથી આવીને ઠાઠામાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલી ટાંકી લીકેજ થતા અંદાજે એક હજાર લીટર ડીઝલ ઢોળાઈ ગયું હતું. આ બનાવની જીતુદાને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt