મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં આવેલ ગણપતિ બાપાનું મંદિર આશરે 1200 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. અહીં ડાભી સુંઢાળા ગણેશજીની મૂર્તિ માટી (રેણુ)માંથી બનાવવામાં આવી છે અને સદીઓ વીતી ગયા છતાં યથાવત અક્ષત સ્થિતિમાં છે. લોકકથા અનુસાર દ્વાપર યુગમાં દેવોએ ગણપતિ બાપાને અહીં રોકાવાનું કહ્યું હતું અને ત્યારથી આ સ્થળનું નામ ઐઠોર પડ્યું.
દરેક વર્ષે ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમે અહીં વિશાળ શુકનમેળો યોજાય છે, જે ખાસ કરીને ખેડૂતો માટે અગત્યનો માનવામાં આવે છે. મેળામાં ભક્તો ફૂલ અર્પણ કરે છે અને તેના આધારે પાક તથા વર્ષના સુખ-દુઃખ વિશે અનુમાન કરવામાં આવે છે. આમ તો દર મહિને ચોથના દિવસે ભક્તોની ભીડ રહે છે, પરંતુ માગશર મહિનાની ચોથના દિવસે 3 થી 4 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અહીં એકત્ર થાય છે. તે દિવસે ગામમાં ભક્તિનો મહાસાગર ઊમટી પડે છે.
મંદિર તરફથી દર ચોથના દિવસે “મોરૈયા” ફરાળી પ્રસાદ બનાવવામાં આવે છે જેમાં ખાસ કરીને ગોળ-ચૂરમાંના લાડુ પ્રસાદ રૂપે ગણપતિ બાપાને અર્પણ થાય છે. ભક્તો ગોળ ચઢાવવાની બાધા રાખે છે અને મનોકામના પૂર્ણ થાય ત્યારે બાધા પુરી કરે છે. આ પ્રાચીન પરંપરા ભક્તોના વિશ્વાસને વધુ ગાઢ બનાવે છે. આ રીતે ઐઠોર ગામનું ગણપતિ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ આસ્થા, શ્રદ્ધા, કૃષિ પરંપરા અને લોકકથાઓનો અવિભાજ્ય વારસો છે, જે સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં જાણીતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR