જૂનાગઢ, 28 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટરએ વિવિધ વિભાગના પ્રશ્નો અને અરજદારોને સાંભળ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન સહાય મેળવવાની અરજી, ખેડૂતોના પ્રશ્નો, જમીન માપણી, પાણીના વહેણ, સાર્વજનિક પ્લોટમાં દબાણ, આવાસ યોજના, બિનખેતી, ગૌચરની જમીન, વન વિભાગ વગેરે અલગ અલગ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટરએ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી.
આ ઉપરાંત સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ બાદ જિલ્લા કક્ષાની એક સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં સ્વાગત કાર્યક્રમમાં રજૂ થતા હોય અને પેન્ડિંગ રહેલા હોય તેવા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાણ ખનીજ, સિંચાઈ, જમીન માપણી, સીમતળ અને ગામતળના પ્રશ્નો, રસ્તા ઉપરથી દબાણ હટાવવા, સફાઈ કામગીરી વગેરે વિવિધ મુદ્દાની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેસરા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ,કર્મચારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ