જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં હવાઇ માર્ગે નિયમિત ધોરણે થઇ રહેલા વિશ્વભરનાં સેલિબ્રિટીઓ અને અગ્રણીઓનાં આવાગમનને પગલે જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાની માંગ ઉઠી છે, ત્યારે નગરને પ્રથમ વખત આંતર જિલ્લા વિમાની સેવાનો લાભ મળતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે.
વિગતવાર વાત કરીએ તો જામનગરથી અમદાવાદ અને જામનગરથી સુરત માટે દૈનિક ફ્લાઇટ સેવાનો આરંભ થયો છે. એરપોર્ટ ડાયરેક્ટ ડી.કે. સિંઘ દ્વારા રિબીન કટ કરી તથા કેક કાપી આ સેવાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં સેક્રેટરી બિપેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહૃાા હતાં. જામનગરથી પ્રતિદિન સવારે ૮:૩૩ કલાકે સુરતની ફ્લાઇટ ઉડાન ભરી રહી છે જ્યારે બપોરે ૨ કલાકે અમદાવાદ માટેની ફ્લાઇટ ઉડાન ભરે છે. અમદાવાદથી જામનગરની ફ્લાઇટ સવારે ૮ કલાક આસપાસ જામનગર એરપોર્ટ પર લેન્ડ કરે છે. જ્યારે સુરતથી જામનગર આવતી ફ્લાઇટ બપોરે ૧:૩૦ કલાકે જામનગર પહોંચે છે. આ આંતર જિલ્લા વિમાની સેવા અંતર્ગત અમદાવાદથી જામનગર આવેલ પ્રથમ ફ્લાઇટમાં ૨૫ મુસાફર જામનગર પહોંચ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે જામનગર બ્રાસપાર્ટ ઉદ્યોગનું હબ છે ઉપરાંત મહાકાય ઓઇલ રિફાઇનરીઓ અને ચારધામ પૈકીનાં એક એવા યાત્રાધામ દ્વારકા હવાઇ માર્ગે પહોંચવા હાલ સૌથી નજીકનું વિમાની મથક જામનગર એરપોર્ટ હોવાથી આ આંતરજિલ્લા વિમાની સેવા ઘણી ઉપયોગી થઇ રહેશે. ઉપરાંત સારવાર અને વેપાર સહિતનાં કામ અર્થે જામનગરથી અમદાવાદ - સુરત આવાગમન કરવા ઈચ્છતા લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt