પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં ભાદરવા સુદ પાંચમના રોજ ઋષિ પંચમીનું પાવન પર્વ ભાવભર્યા વાતાવરણમાં ઉજવાયું. આ દિવસે મહિલાઓએ માટીમાંથી બનાવેલા સાત ઋષિઓની પ્રતિકૃતિની પૂજા કરી હતી. બગેશ્વર મહાદેવ મંદિર અને શ્રીમાળી સામવૈદી બ્રહ્મ સમાજની વાડી ખાતે સામૂહિક પૂજાનો આયોજન કરવામાં આવ્યુ હતું. ઋષિ પંચમીને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દિવસે સ્નાન, ઉપવાસ અને શૌચાચારને વિશેષ મહત્વ આપવામાં આવે છે. વ્રતધારી મહિલાઓએ ફરાળ કરીને, શ્રદ્ધાપૂર્વક વ્રતનું પાલન કર્યું હતું. પુણ્યદાયી માનતા આ વ્રત દ્વારા પાપનો નાશ થાય છે અને ઉત્તમ ફળ મળે છે, તેવી માન્યતા છે.
સ્ત્રીઓએ ઋષિ પંચમીની કથા શ્રવણ કરી અને જપ-તપ દ્વારા આત્મશુદ્ધિનો માર્ગ અપનાવ્યો. આખા પાટણ શહેરમાં પર્વની પવિત્રતા અને આધ્યાત્મિક ઉમંગ છવાયેલો જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ