મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.)આજ રોજ મહેસાણા જિલ્લાના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સામાન્ય નાગરિકોની ફરિયાદો તથા વિવિધ વિભાગ સાથે જોડાયેલા પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવાનો હતો.
જિલ્લા સ્વાગત દરમિયાન કુલ 211 પ્રશ્નો રજૂ થયા હતા. આ પ્રશ્નો ગામડાં સ્તરથી લઈને શહેરી વિસ્તારો સુધીના અલગ-અલગ વિષયો સાથે સંકળાયેલા હતા. મુખ્યત્વે પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પેન્શન, આવાસ યોજનાઓ તથા સરકારી સેવાઓ સંબંધિત પ્રશ્નો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા.
કાર્યક્રમ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક પ્રશ્નને ગંભીરતાપૂર્વક સાંભળીને તેના નિરાકરણ માટે જરૂરી પગલાં લેવા ચર્ચા કરવામાં આવી. કેટલાક પ્રશ્નોનું સ્થળ પર જ સમાધાન કરવામાં આવ્યું જ્યારે અન્ય પ્રશ્નો માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી.
જિલ્લા સ્તરે યોજાતા આવા સ્વાગત કાર્યક્રમો દ્વારા નાગરિકોને સીધી રીતે અધિકારીઓ સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરવાની તક મળે છે. આ સાથે, સરકારના લોકસંપર્ક દ્વારા લોકસેવાના સંકલ્પને પણ વેગ મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR