મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા જણાવ્યા મુજબ સરકારના બાગાયત વિભાગ તરફથી વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તેમાં સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમો, અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની વિશેષ યોજના, ફળ અને શાકભાજીની જાળવણી અને તાલીમ કાર્યક્રમ, મહિલા તાલીમ વૃતિકા (કેનિંગ) તેમજ કેન્દ્ર પુરસ્કૃત કૃષિઉન્નતિ યોજનાના માળખામાં મિશન ફોર ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) અને નેશનલ હોર્ટિકલ્ચર મિશન જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ ઈ-ગ્રામ, કોમ્યુનીટી સર્વિસ સેન્ટર, જન સેવા કેન્દ્ર અથવા ઈન્ટરનેટવાળા મોબાઈલ/કોમ્પ્યુટર મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ તેનું પ્રિન્ટઆઉટ લઈ સહી/અંગુઠો કરીને પોતાની પાસે રાખવું પડશે. ત્યારબાદ પૂર્વ મંજુરી મુજબ સમય મર્યાદામાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરી જરૂરી કાગળો ઓનલાઈન ક્લેમ સબમિટમાં અપલોડ કરવાના રહેશે તેમજ ભૌતિક ચકાસણી સમયે જિલ્લા કચેરીમાં રજૂ કરવાના રહેશે.
અરજીની કાર્યવાહી બાદ અરજદારને અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર મેસેજ આવશે અને અરજદાર પોતાનું સ્ટેટસ I-Khedut 2.0 પોર્ટલ પરથી તરત જ જાણી શકશે. સહાય માટેની મંજુરી મળ્યા બાદ 7/12, 8-અ જમીનના પુરાવા, આધાર કાર્ડ, બેન્ક પાસબુક/રદ ચેક, અનસૂચિત જાતિ કે દિવ્યાંગ દાખલાની નકલ, ખરીદીના માન્ય બિલ, અરજદારનું ફોટોગ્રાફ તથા અન્ય સાધનિક પુરાવા અરજીપત્રક સાથે રજૂ કરવા ફરજિયાત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR