ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.)
ગીર સોમનાથ
પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે નાગરિકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે જિલ્લા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. આ ઉપક્રમમાં કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયો હતો.
જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં અરજદારો દ્વારા ગામતળનો રસ્તો ખૂલ્લો કરવા તેમજ નડતર દૂર કરવા, પી.એમ.જે.વાય યોજના, ગૌચરમાં થયેલા દબાણ દૂર કરવા બાબત, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ લાભ ન મળવા અંગે, પેશકદમી દૂર કરવા બાબત, જોખમી પ્રસુતિ દરમિયાન સહાય અંગે, વીજલાઈનના કામ પછીની ક્ષતિ અંગે, ખેતરમાં આવવા-જવાના રસ્તા અંગે, વીજ કનેક્શન આપવા તેમજ સી.સી.રોડના ચૂકવણા બાબત, જાહેર રસ્તા પર દબાણ કરનાર અંગે તેમજ વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
કલેક્ટરએ રૂબરૂ તમામ અરજદારોના પ્રશ્નો સાંભળ્યાં હતાં. કલેક્ટરએ અરજદારોના પ્રશ્નોના નિરાકરણ અંગે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી સત્વરે નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતાં.
કલેક્ટરએ બાકી રહેલા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઝડપભેર કામગીરી કરવા અંગે અધિકારીઓને સુનિયોજીત કામગીરી થાય એ દિશામાં એકબીજા વિભાગ સાથે સંકલન કરવા સૂચનાઓ આપી અને માર્ગદર્શિત કર્યા હતાં.
નાગરિકોએ રજૂ કરેલા પોતાના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નોમાંથી નિરાકરણ આવી ગયેલી માહિતિ પ્રાપ્ત કરતાં અરજદારોએ કલેક્ટરનો તથા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી કે.આર.પરમાર, ડી.વાય.એસ.પી ભાસ્કર વ્યાસ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) અજય શામળા સહિત પી.જી.વી.સી.એલ, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ, આરોગ્ય વિભાગ, જમીન સંપાદન શાખા, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ