ગીર સોમનાથ, 28 ઓગસ્ટ (હિ.સ.) સુત્રાપાડાની નોબલ ડે સ્કુલના વિદ્યાર્થીઓએ માટીના ગણેશ ઘરે લાવીએ પહેલને સાર્થકતા આપતા એક અનોખી પ્રવૃત્તિ હાથ ધરી હતી. વિદ્યાર્થીઓએ છેલ્લા ચાર દિવસની મહેનત બાદ માટીમાંથી સુંદર ગણેશજી, રિદ્ધિ-સિદ્ધિ તથા મૂશકજીની પ્રતિમાઓ તૈયાર કરી હતી.
આજે ધામધૂમપૂર્વક શાળા પરિસરમાં દાદાને બિરાજમાન કરાયા હતા. આ પ્રસંગે શાળા પરિવાર સાથે સાથે વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાળકોની સર્જનાત્મકતા અને સંસ્કારસભર પ્રવૃત્તિ જોઈ સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા.શાળા તરફથી જણાવાયું હતું કે આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, સર્જનાત્મકતા તેમજ પરંપરા સાથે જોડાણ વધે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ