ગીર સોમનાથ, 28 ઓગસ્ટ (હિ.સ.) ભાદ્ર માસની શુક્લ ચતુર્થી એટલેકે શ્રી ગણેશ ચતુર્થી પર સોમનાથ તીર્થ ગણેશજીના આગમનથી ઉત્સાહ અને આનંદથી ઉભરાયું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સજોડે ટ્રસ્ટ પરિવાર તરફથી શ્રી સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત કપર્દી વિનાયક શ્રી ગણેશજીનું શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા પૂજન કર્યું હતું અને અષ્ટ સિદ્ધિ અને નવનિધિના દાતા શ્રીગણેશ પાસે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી.
આ વિશેષ પ્રસંગે શ્રી સોમનાથ મહાદેવને શ્રી ગણેશ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરી વિવિધ પુષ્પો, ચંદન સહિતના દ્રવ્યોથી મહાદેવને આભૂષિત કરવામાં આવ્યા હતા. ત્યારે ગણેશ ચતુર્થી પર સોમનાથ મહાદેવ સાથે શ્રી ગણેશજીના એક સાથે દર્શન કરવાનો વિશેષ લાભ ભાવિકોને મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ