ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) સૌરાષ્ટ્રના ગીર પંથકના ગામડાઓમાં સિંહના આંટાફેંરાના બનાવો હવે સામાન્ય બન્યા છે. ગ્રામ્ય પંથકમાં ઘૂસી આવતા સિંહ અનેકવાર મારણ પણ કરતા હોય છે. ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં સવારના સમયે ઘૂસી આવેલા સિંહનો એક વીડિયો વાઈરલ થયો છે. નિર્માણાધીન મકાનમાં ઘૂસી ગયેલા સિંહને જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સિંહે ત્રાડ પાડતા જ લોકોમાં નાસભાગી મચી હતી. વનવિભાગની ટીમને જાણ થતા તે ગામમાં પહોંચી હતી. જો કે, સિંહ તે પહેલા જ ગામમાંથી નાસી છૂટ્યો હતો. નિર્માણાધીન મકાનમાં ઘૂસેલા સિંહને જોવા ટોળું એકઠું થયું હતું.
ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં આજે સવારે 11.30 વાગ્યા આસપાસ સિંહ ઘૂસી આવ્યો હતો.જંગલ બોર્ડરની નજીક આવેલા આ ગામમાં મોતીસર રોડ પર ભરતભાઈના નિર્માણાધીન મકાનમાં એક નર સિંહ પ્રવેશી ગયો હતો.મકાનમાં હજુ બારી-દરવાજા લાગ્યા ન હતા અને સદનસીબે આજે શ્રમિકો પણ કામ પર આવ્યા ન હતા. સિંહની હાજરીની જાણ થતાં જ ગ્રામજનો તેને જોવા માટે એકત્ર થઈ ગયા. સિંહે ત્રાડ પાડતા જ લોકોમાં નાસભાગ મચી નિર્માણાધીન મકાનમાં સિંહ ઘૂસ્યો હોવાની જાણ થતા લોકો જોખમી રીતે સિંહને જોવા નજીક પહોંચ્યા હતા. આ સમયે જ સિંહે જોરદાર ત્રાડ પાડતા લોકોમાં નાસભાગ મચી હતી. વન વિભાગને જાણ કરવામાં આવી અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.વનવિભાગની ટીમ ગામમાં પહોંચી પણ સિંહ ન મળ્યો.
જો કે, વન વિભાગની ટીમ સિંહને રેસ્ક્યુ કરે તે પહેલાં જ તે બારી જગ્યામાંથી કૂદીને નજીકના ધાર વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો. આ વિસ્તાર સિંહના નિવાસસ્થાન તરીકે જાણીતો છે અને અહીં દિવસ દરમિયાન પણ સિંહના દર્શન થતાં રહે છે. વન વિભાગની ટીમ હાલ સિંહનું લોકેશન શોધવાના પ્રયત્નો કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ