ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ-વેરાવળના સતીમા ચોકમાં ગણેશોત્સવની ઉજવણી કરવા ગણપતિ બાપ્પાની મૂર્તિ બિરાજમાન કરાઇ.
વેરાવળના ભાવના સોસાયટી વિસ્તારના સતીમા યુવા ગ્રુપ દ્વારા વર્ષ 2013થી પ્રતિ વર્ષ ગણેશોત્સવમાં ઇકો ફ્રેન્ડલી એટલે કે પ્રદૂષણમુક્ત અને પર્યાવરણ જતન વિસર્જન સમયે જળવાઇ રહે તેવી ગણપતિ બાપાની મૂર્તિ પોતાની કળાકારીગરીથી બનાવે છે.
આ વર્ષે એક જાણીતી ચોકલેટ કંપનીના સિક્કા આકારની ચોકલેટોમાંથી ગણપતિ બનાવવામાં આવ્યા છે. જેમાં 3500થી વધુ ચોકલેટો વપરાઇ છે. આ મૂર્તિની ઉંચાઇ 4 ફૂટ અને પહોળાઇ 3 ફૂટ છે. આને બનાવવામાં છાપાની પસ્તી અને ઝરીવાળા કાગળોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ મૂર્તિ બનાવવાનો ઉદ્દેશ એ છે કે ભક્તિ-શ્રદ્ધા જળવાઇ રહે અને સાથોસાથ વિસર્જન કરાયા બાદ પર્યાવરણ અને પ્રદૂષણમુક્ત તથા દરિયાઇ જળજીવસૃષ્ટિને આહાર મળી રહે છે.
આ ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવતા સાતથી આઠ દિવસ લાગેલ છે જેમાં અલ્પેશ ડોલરિયા, દિપક વાઘેલા, મનીષ ચુડાસમા, સતીષ સિંધવ, દીલિપ મહેતા સહિત સૌનો સહકાર મળેલ છે.
ગણપતિ વિસર્જન યાત્રા 31 ઑગસ્ટના દિવસે બપોરે નીકળશે. ગણેશોત્સવ દરમ્યાન દરરોજ સાંજે મહાઆરતી કરવામાં આવશે. લોકો દર્શન અને આરતીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ઉમટે છે.
આ અગાઉના વર્ષોમાં બિસ્કિટના, ડ્રાયફ્રૂટના, માવાના, ખજૂરપાકના, થાબડીમાવાના અને ધ્રોના ગણપતિ બનાવાયેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ