મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.): હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદી માહોલની આગાહી જાહેર કરી છે. તાજેતરના અહેવાલ મુજબ આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી સહિત કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત થઈ છે. આ વિસ્તારોમાં નદીનાળા છલકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
રાજધાની અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને પાણી ભરાય તેવી જગ્યાઓથી દૂર રહેવા સૂચના આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR