મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા નજીક આવેલ હિંમતનગરમાં ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ધી કણૉવતી કો-ઓપરેટિવ બેંક લિ. ની નવમી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પર્યાવરણ સંરક્ષણ માટે અનોખી પહેલ કરી. તેમણે હાજર મહેમાનો, નાગરિકો અને અગ્રણીઓને પાંચ નિયમોની શપથ લેવડાવી — વૃક્ષારોપણ, પાણીનું સંરક્ષણ, પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ, પ્રકૃતિ પ્રત્યે સન્માન અને આવતી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાનો સંકલ્પ.
જીતુભાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિકાસ અને બેંકિંગ સુવિધાઓ સાથે પર્યાવરણનું જતન કરવું આજના સમયની પ્રથમ આવશ્યકતા છે. તેમણે પોતાની સંસ્થા “ગ્રીન ગ્લોબલ બ્રિગેડ” ની મહત્વપૂર્ણ પહેલ વિશે માહિતી આપી અને હરિયાળું જીવન અપનાવવાની અપીલ કરી.
આ પ્રસંગે હિંમતનગરના અગ્રણીઓ, સ્થાનિક પ્રતિષ્ઠિત નાગરિકો તથા મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ બેંકના નવા પ્રારંભ પર આનંદ વ્યક્ત કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લીધો. નવમી શાખાનું આ ઉદ્ઘાટન માત્ર બેંકિંગ સેવાઓ માટે જ નહીં, પરંતુ પર્યાવરણ જાગૃતિની દિશામાં પણ એક મહત્વપૂર્ણ સંદેશ બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR