જુનાગઢ 28 ઓગસ્ટ (હિ.સ.) હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૨૯ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન નેશનલ સ્પોર્ટસ ડે – ૨૦૨૫ની ઉજવણીનું આયોજન કરાયું છે.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત નેશનલ સ્પોટ્સ ડે ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા અને મનપા કક્ષાના કાર્યક્રમ તા.૨૯ ઓગસ્ટના રોજ સવારે ૭ કલાકે, બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય જૂનાગઢ ખાતે યોજાશે.
આ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશભાઈ પોશિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા,તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર સહિતના ઉપસ્થિત રહેશે.
તા.૨૯ ઓગસ્ટના રોજ હોકી જાદુગર મેજર ધ્યાનચંદ ના જન્મદિવસ નિમિત્તે હોકી પેનલ્ટી શૂટઆઉટ સ્પર્ધા, એક મિનિટ સ્કીપિંગ રોપ ચેલેન્જ રાઉન્ડ કોમ્પિટિશન,૧૨ સૂર્યનમસ્કારની સ્પર્ધા યોજાશે.તા.૩૦ઓગસ્ટના રોજ સવારે ૭ કલાકે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ, જૂનાગઢ ખાતે ૧૦૦ મીટર દોડ, ગોળા ફેક, ફૂટબોલ અને રસ્સા ખેંચની સ્પર્ધા યોજાશે.તા.૩૧ ઓગસ્ટના રોજ સવારે ૭ કલાકે ઝાંસી રાણી સર્કલ સરદારબાગ જૂનાગઢ થી સન્ડે ઓન સાયકલ રેલી યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ