પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.): પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાની જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. શહેરમાં બિસ્માર હાલતમાં આવેલા રસ્તાઓ પર લોકજાગૃતિ લાવવા માટે તેમણે જાતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી. રેલવે ગરનાળાથી શરૂ કરીને નિર્મલ નગર બગવાડા અને સુભાષ ચોક સુધીના વિસ્તારમાં બે ટ્રેક્ટરના માધ્યમથી વેટમિક્સ માલ નાખીને ખાડા પૂરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના યુવા કાર્યકરો સાથે મળીને પાવડો લઈને પોતાના હાથે પણ આ કામગીરીમાં સહભાગિતા નોંધાવી. શહેરના મુખ્ય બજાર અને રાજમાર્ગો પર લાંબા સમયથી પડેલા ખાડાઓને લઈ લોકો ખુબજ પરેશાન હતાં. નગરપાલિકા દ્વારા યોગ્ય સમયે રસ્તાઓની મરામત ન થતા તેમણે પોતાની રીતે જનહિત માટે પગલું ભર્યું હતું.
કિરીટ પટેલે ચીમકી આપી છે કે જો નગરપાલિકા દ્વારા રસ્તાઓની સ્થિતિમાં વહેલામાં વહેલ સુધારો નહીં આવે તો લોકો તથા વિવિધ સંસ્થાઓ સાથે મળીને વેરો ન ભરવાનો અભિયાન શરૂ કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે પાટણના નાગરિકો પાયાની સુવિધાઓથી વંચિત છે અને આ સમસ્યાઓનો ઝડપી ઉકેલ જરૂરી છે. લોકોએ તેમની આ પગલાને હર્ષભેર આવકાર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ