વલસાડ, 28 ઓગસ્ટ (હિ.સ.)-એન.કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી દ્વારા બી.કોમ અને બી.એસસીના વિદ્યાર્થીઓ માટે અદાણી પોર્ટ, મુન્દ્રા ખાતે 2 દિવસીય ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 51 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ઔદ્યોગિક ક્ષેત્રનો નજીકથી અભ્યાસ કરવાનો મોકો મળ્યો.
આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ અદાણી વિલમાર, અદાણી પોર્ટ, અદાણી વેસ્ટકોસ્ટ, અદાણી થર્મલ પ્લાન્ટ અને અડાણી સોલાર પ્લાન્ટ જેવી મુખ્ય એકમોની મુલાકાત લીધી. દરેક સ્થળે નિષ્ણાતો દ્વારા ઉત્પાદન પ્રક્રિયાઓ, સંચાલન પદ્ધતિઓ, ગુણવત્તા નિયંત્રણ, સુરક્ષા માપદંડો અને કાર્યપદ્ધતિ અંગે અનેક પ્રાયોગિક માહિતી આપવામાં આવી.
મુલાકાતને સર્વાંગી બનાવવા માટે સાંજે વિદ્યાર્થીઓ માટે મનોરંજક પ્રવૃત્તિઓ આયોજન કરવામાં આવી. બીજા દિવસની સવારે યોગા-ધ્યાન સત્ર યોજાયું, જેના કારણે વિદ્યાર્થીઓને માનસિક એકાગ્રતા અને સ્વસ્થ્ય પ્રત્યે જાગૃતિ મળી.
આ પ્રવાસમાં કોલેજના પ્રોફે. નિરવ સુરતી, પ્રોફે. રૂતાન્શી પટેલ, પ્રોફે.ડૉ.અજય પટેલ અને પ્રોફે.જીનીષા ભૈંસારે —વિદ્યાર્થીઓ સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું.
પ્રવાસનું આયોજન અને સંકલન પ્રોફે. જીનીષા ભૈંસારે તથા પ્રોફે.નિરવ સુરતી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
સુંદર આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડૉ.દીપેશ શાહ અને પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તથા સર્વ ટ્રસ્ટીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે