મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના જિલ્લા કક્ષાના કલામહાકુંભ સ્પર્ધામાં પીએમ શ્રી વિજાપુર પ્રા. શાળા નં. 2નું નામ કળા ક્ષેત્રે ગર્વપૂર્વક ગુંજાયું. અહીંની પ્રતિભાશાળી સ્પર્ધક હેતલબેન જે. પટેલે સમૂહ ગીત તથા લગ્ન ગીત (21 થી 58 વર્ષ વિભાગ) બંને કેટેગરીમાં તૃતીય ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
આ સિદ્ધિ પાછળ શાળાના સંગીત શિક્ષકશ્રી તેમજ દીકરીઓ અને શિક્ષિકાબેનશ્રીના સંયુક્ત પરિશ્રમ, માર્ગદર્શન અને સમર્પણનો મહત્ત્વનો ફાળો રહેલો છે. કળાની દુનિયામાં આ પ્રકારની સિદ્ધિઓ શાળાના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, પ્રતિભા અને સર્જનાત્મકતાને નવી ઊંચાઈએ પહોંચાડે છે.
વિજયી ક્ષણ પર સમગ્ર શાળા પરિવાર, શિક્ષણ મંડળ તેમજ સ્થાનિક નાગરિકોએ હેતલબેન તથા સંગીત વિભાગના શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિ માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર વિજાપુર વિસ્તારનું ગૌરવ છે.
કલામહાકુંભ જેવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને આગળ લાવવાનો ઉત્તમ માધ્યમ સાબિત થઈ રહી છે. હેતલબેનની આ જીતે સાબિત કર્યું છે કે મહેનત, માર્ગદર્શન અને જુસ્સાથી કોઈપણ સપનું સાકાર થઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR