સુરત, 28 ઓગસ્ટ (હિ.સ.)-પેરોલ લઈને છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હત્યાના એક આજીવન કેદની સજાના આરોપીને પોલીસે વાપી રેલ્વે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે.આરોપી દમણમાં મિત્રની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.એટલુંજ નહીં પેરોલ લીધા બાદ ફરાર થયેલા આરોપીએ પોલીસથી બચવા માટે માનસિક અસ્થિરતાનો ઢોંગ રચી ભીખારીનો વેશ ધારણ કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગણેશ ચતૂર્થી તહેવાર અંતર્ગત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લાજપોર જેલમાંથી પેરોલ,ફર્લો તેમજ વચગાળાની રજા લીધા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની દીશામાં વર્કઆઉટમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે સને 2004 માં દમણમાં પૈસાની લેતીદેતી મામલે થયેલા ઝઘડામાં મિત્રની હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો અને છેલ્લા ત્રણ વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો કમલેશ રામેશ્વર જાદવ (રહે, નાની દમણ)ને વાપી રેલવે સ્ટેશન
ખાતેથી ઝડપી પાડ્યો હતો.અને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી કમલેશ જાદવને 21 નવેમ્બર 2007માં દમણની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપતો હતો. દરમિયાન કમલેશ જાદવ 30 જાન્યુઆરી 2023 ના રોજ 45 દિવસની પેરોલ રજા ઉપર બહાર આવ્યો હતો પરંતુ ત્યારબાદ પરત લાજપોર મધ્યસ્થ જેલમાં હાજર ન થઈ નાસતો ફરતો હતો. વધુમાં કમલેશ પરત જેલમાં ન જવુ પડે તે માટે ભીખારીનો વેશ પલ્ટો કરી તેમજ માનસિક અસ્થિરતાનો ઢોગ કરી મેલા કપડા તેમજ વાળ દાઢી વધારીને પોતાની ઓળખ છુપાવી ગુજરાત રાજયના મંદિરો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ ફુટપાથ ઉપર રોકાયને ભીખ માંગતો હતો.કમલેશ કોઈ ઍક જગ્યાઍ સ્થાઈ રહેતો ન હતો.પોલીસે તેને પરત જેલ હવાલે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે