પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા પોરબંદર ચોપાટી મેદાન ખાતે તા. 15 થી 24 ઓગસ્ટ 2025 દરમિયાન પોરબંદર સરસ મેળો 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 10 દિવસીય આયોજીત સરસમેળામાં મોટીસંખ્યામાં લોકો સહભાગી થયા હતા.
સરસ મેળામાં રાજ્યભરના જુદા જુદા જિલ્લાઓ માંથી આવેલી મહિલાઓને પોતાના ઉત્પાદનો રજૂ કરવાની અને વેચાણ કરવાની તક આપવામાં આવી હતી. સરસમેળામાં હસ્તકલાની વસ્તુ, ભરત ગૂંથણ કામ, લાકડાથી બનાવેલી ઘર સુશોભનની અનોખી વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં જન્માષ્ટમીનો મેળો હોવાની સાથે સાથે સરસમેળો હોવાથી અંદાજીત 1 લાખથી વધુ લોકોએ સરસમેળો નિહાળી બિરદાવ્યો હતો. રાજ્યભર માંથી સખીમંડળની બહેનો સરસમેળામાં સહભાગી થવાની સાથે 42 લાખની જુદી જુદી ચીજ વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ મેળાના માધ્યમથી મહિલાઓને પોતાના પરિશ્રમનું યોગ્ય મૂલ્ય મળવાની સાથે આર્થિક ફાયદો થયો હતો. આ મેળો મહિલાઓના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને પરંપરાગત હસ્તકલાના પ્રોત્સાહન માટે રાજ્ય સરકારના પ્રયત્નોને સફળતા મળી છે. આ હસ્તકલા ઉત્પાદનોને પોરબંદરના લોકો તરફથી વિશાળ પ્રતિસાદ મળી રહ્યો છે.પોરબંદર સરસ મેળામાં મળેલા સ્ટોલ, રહેવા અને જમવાની સુવિધાઓને કારણે તેમના વ્યવસાયમાં આર્થિક વૃદ્ધિ થઈ છે. આ સરસ મેળો મહિલા સશક્તિકરણના સરકારના હેતુને સાકાર કરવાનો જીવંત ઉદાહરણ છે. જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના વડપણહેઠળ અને ડી.એલ.એમ.જ્ઞાનદેવ ચુડાસમાના સંચાલન હેઠળ આ સરસમેળો સફળતાપુર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya