મહેસાણા, 28 ઓગસ્ટ (હિ.સ.): વિસનગર તાલુકાના કુવાસણા ગામે સંસ્કાર વાડી ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં લગ્ન નોંધણી સુધારા અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા ગામના આગેવાનો, યુવાનો અને બહેનો દ્વારા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે આગામી સમયમાં જિલ્લાના દરેક વિસ્તારમાં નાની-મોટી મીટીંગો યોજી SPG ની વિચારધારા ગામ-ગામ સુધી પહોંચાડવામાં આવશે. સાથે જ લાઈફટાઈમ મેમ્બરશિપ મારફતે સંગઠનને વધુ મજબૂત બનાવવામાં સહકાર આપવામાં આવશે.
SPG સંગઠનના માધ્યમથી છેવાડાના વિસ્તારોમાં રહેતા ભાઈઓ અને બહેનોને સિસ્ટમ દ્વારા આર્થિક મદદ પહોંચાડવાનું સંકલ્પ પણ કરવામાં આવ્યું. ખાસ કરીને SPG દ્વારા છેલ્લા ઘણા સમયથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા અને લગ્ન નોંધણી વખતે માતા-પિતાની અથવા લોહીના સંબંધીઓની સહી ફરજિયાત કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ લડતને કુવાસણા ગામના અગ્રણીઓ, વડીલો, ભાઈઓ અને બહેનો દ્વારા ખુલ્લો સમર્થન મળ્યો હતો. ગામના આગેવાનો દ્વારા લેટરપેડ પર જાહેર સમર્થન પણ આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં નક્કી કરવામાં આવ્યું કે આગામી સમયમાં મહેસાણા જિલ્લાભરમાં અને વિસનગર તાલુકાના ગામે-ગામમાં જઈને ગ્રામ પંચાયત અને સહકારી મંડળીઓનું સમર્થન મેળવવામાં આવશે. સાથે જ જરૂરી પડે ત્યારે વિસનગર તાલુકાના તમામ ગામો સંગઠિત થઈને SPG ની લડતમાં સાથ આપશે. આ કાર્યક્રમમાં SPG ગુજરાત પ્રદેશના હોદ્દેદારો, મહેસાણા જિલ્લાના હોદ્દેદારો, વિસનગર તાલુકા અને શહેરના હોદ્દેદારો, તેમજ ગામના વડીલો અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR