પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેરના જળચોક વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં ભાદરવા સુદ પાંચમના દિવસે ઠાકોર સમાજે વર્ષોથી ચાલતી પરંપરાનું પાલન કરતાં સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ ઉજવ્યું. મહિલાઓએ માતાજીના નૈવેદ્ય માટેની કાચી સામગ્રી ટોપલામાં મૂકીને વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી હતી. શોભાયાત્રા સુભાષચોક ખાતે પહોંચી હતી, જ્યાં મહિલાઓએ માથે ટોપલાં સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.
આ બાદ પાટણ-ચાણસ્મા હાઈવે પર આવેલા અંબાજી નેળીયામાં મહિલા ભક્તોએ માતાજી માટે નૈવેદ્ય તૈયાર કર્યું હતું. માતાજીને પરંપરાગત રીતે સવા શેર કંસાર ધરાવવામાં આવ્યો. સમગ્ર માહોલ માંઘલિક ભાવનાથી ગુંજી ઉઠ્યો હતો.
મંદિર પરિસરમાં સમૂહ ટોપલા ઉજાણી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યાં હાજર ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાટણ નગરમાં વસતા અનેક સમાજો ભાદરવા મહિનામાં આવી રીતે સમૂહ ટોપલા ઉજાણીના પર્વને ઉત્સાહભેર ઉજવે છે – જે ઘણી વરસોથી સતત ચાલી આવતી લોક પરંપરા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ