સુરત, 28 ઓગસ્ટ (હિ.સ.)- મુંબઈના દંપતી સહીત ત્રણ જણાએ મળી શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતા બિલ્ડર સાથે દેલાડવા ગામની જમીન મામલે છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વાઘેલા દંપતિઍ મળતીયાઓ સાથે મળી સહ જમીન માલીકો સહી વગર બોગસ સાટાખત તૈયાર કરી 25 ટકા જમીનનો હિસ્સોનો સોદો કરી રૂપિયા 53.21 લાખ પડાવી દસ્તાવેજ બનાવી આપ્યો હતો ત્યારબાદ જમીનનો ભાવ વધી જતા બિલ્ડર પાસે વધુ 5 કરોડની માંગણી કરી સાટાખતનો દુરપયોગ કરી કોર્ટમાં દાવો કરી જમીનના ટાઈટલ ઘોચમાં નાંખી હતી.પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે વાઘેલા દંપતિ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ ખાતે વિજય સેલ્સની બાજુમાં, સ્વામી કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા મિતેશ કાંતીભાઈ આહીરઍ ગતરોજ જગદીશ મગનભાઈ વાઘેલા, તેની પત્ની લતાબેન જગદીશભાઈ વાઘેલા (રહે, આકાશ પેલેસ, મરાઠા કોલોની રો હાઉસ, મુંબઈ) અને ઘુસા નાનજી બુહા (રહે, નિર્મળ નગર, તક્ષશિલા બિલ્ડિંગની બાજુમાં, સરથાણા જકાતનાકા) વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોધાવી હતી.ફરિયાદ મુજબ દલાલ વિભા ભરવાડ મારફતે આરોપીઓ પાસેથી સપ્ટેમ્બર 2016 માં દેલાડવા ગામ બ્લોક નં-280 વાળી 17199 ચો.મી જમીનનો પૈકી 25 ટકા હિસ્સાનો 53.21 લાખમાં સોદો કર્યો હતો અને મિતેશભાઈ આહીરે અને ચેતન પ્રભુ આહીરે તમામ પૈસા ચેકથી રોકડથી ચુકવી આપ્યા હતા. આરોપઓએ તેમને વેચાણ દસ્તાવેજ બનાવી આપ્યો હતો. જેમાં સાક્ષીમાં લતાબેન વાઘેરા, વિભા ભરવાડની સહીઓ કરી હતી.દરમિયાન આઠ વર્ષ બાદ જમીનના ભાવો વધી જતા આરોપીઓએ મિતેશ આહીર પાસેથી વધુ 5 કરોડની માંગણી કરી હતી. જે વધારાના પૈસા તેઓએ નહી આપતા ઘુસા બુહાઍ ગત 10 ઓક્ટોબર 2013ના રોજ ખોટા લખાણવાળા વેચાણ સાટાખતનો દુરપયોગ કરી 2024 માં નામદાર સુરતની સિવિલ કોર્ટમાં મિતેશ આહીર, પરેશ આહીર, જગદીશ વાઘેલા સામે દાવો કર્યો હતો.અને દસ્તાવેજ રદ કરવા માટે દાદ માંગી જમીના ટાઈટલ ઘોચ નાંખી નુકશાન પહોચાડી બળજબરી પુર્વક 5 કરોડની માંગણી કરતા આવ્યા હતા.વાઘેલા દંપતિનો જમીનમાં 62.50 ટકા હિસ્તો ન હોવા છતાંયે ઘુસા બુહાને 2013માં સાટાખત બનાવી આપી તેમાં સહ માલીકો મણીબેન, કુસુમબેન અને હસુબેનના નામે લખ્યા હતા પરંતુ તેમની સહીઓ નહી કરાવી તેમાં વહીવટ કર્તા કરીતે લતાબેન વાઘેલાઍ સહીઓ કરી હતી.અને જમીન વસુમતીબેન ચૌહાણ જમીનના માલીક ન હોવા છતાંયે જગદીશષ વાઘેલાને વીલ કે વસીયત નામું કરી આપવાનો હક કે અધિકાર ન હોવા છતાંયે 2016 માં દસ્તાવેજ બનાવી આપ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ મિતેશ આહિર પાસેથી પાંચ કરોડ પડાવવા માટે તેમને અવાર નવાર પોલીસમાં ખોટી અરજીઓ કરવાની સાથે ઍટ્રોસીટીના કેસમાં જેલમાં પુરાવી દેવાની ધમકી આપતા હતા. બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચે મિતેશ આહિરની ફરિયાદને આધારે વાઘેલા દંપતિ અને ઘુસા નાનજી બુહા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે