સુરત, 28 ઓગસ્ટ (હિ.સ.)- શહેરનાં છેવાડે આવેલ લાજપોર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતાં યુવક વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવા પામી છે. સોશિયલ મીડિયા દ્વારા યુવતીનાં સંપર્કમાં આવેલ આરોપીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો યુવતી દ્વારા પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.
લાજપોર ખાતે આવેલ મધ્યસ્થ જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતાં રસીક સુરેશ ચૌધરી મુળ તાપી જિલ્લાનાં સોનગઢનો વતની છે. હાલમાં સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા રસીક ચૌધરી જુન મહિનામાં ઈન્સ્ટાગ્રામ પર એક 26 વર્ષીય યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. શરૂઆતમાં વાતચીત બાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. એકબીજા સાથે ચેટિંગ દરમિયાન રસીક ચૌધરીએ યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જેલ સિપાહી રસીક ચૌધરીની મીઠી મીઠી વાતોમાં આકર્ષાઈને યુવતી પણ રસીકની સાથે તેનાં જેલ ક્વાર્ટરમાં એક પખવાડિયા સુધી સાથે રહી હતી. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જો કે, યુવતીને ભોગવ્યા બાદ રસીક ચૌધરીએ પોત પ્રકાશ્યું હતું અને લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અચાનક રસીક ચૌધરીનાં વાણી - વર્તનમાં બદલાવ આવતાં યુવતી પણ એક તબક્કે પડી ભાંગી હતી અને જેલ સિપાહી રસીક ચૌધરી વિરૂદ્ધ સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે