જામનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ નવા રણુંજા ધામમાં ત્રી-દિવસીય લોકમેળા સહિતના ભવ્ય ઉત્સવનું આયોજન
જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : કાલાવડ નજીક આવેલા નવા રણુંજા ધામમાં ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારસના પાવન દિવસે શ્રી રામદેવજી મહારાજના ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧/૯ થી તા. ૩/૯ સુધી ભાતિગળ લોકમેળો, ભજન-ભોજન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ય
લોકમેળો


જામનગર, 29 ઓગસ્ટ (હિ.સ.) : કાલાવડ નજીક આવેલા નવા રણુંજા ધામમાં ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારસના પાવન દિવસે શ્રી રામદેવજી મહારાજના ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧/૯ થી તા. ૩/૯ સુધી ભાતિગળ લોકમેળો, ભજન-ભોજન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે.

કાલાવડ ગામ નજીક આવેલા નવા રણુંજા ધામમાં સુપ્રસિદ્ધ શ્રી રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે. શ્રી રામદેવજી મહારાજના પાવન સાંનિધ્યમાં પ્રતિવર્ષ ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારસના રામદેવજી મહારાજના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આગામી તા. ૧/૯ થી તા. ૩/૯ સુધી આ ઉત્સવ ઉજવાશે.

સિદ્ધપીઠ નવા રણુંજા ધામે રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા, સમાધિ ઉત્સવ, ધ્વજારોહણ, આ ઉપરાંત દરરોજ બપોરે અને સાંજે મહાપ્રસાદ, રાત્રે નામાંકિત કલાકારો સંતવાણીમાં દૂહા-છંદ-ભજનની રમઝટ બોલાવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ ત્રણ દિવસ દરમિયાન ભવ્ય લોકમેળો પણ યોજવામાં આવે છે, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, સુરત, અમદાવાદ, જામનગર, કાલાવડ સહિતના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડશે.

જુના રણુંજાની જગ્યા કે જે હીરાબાપાની જગ્યા તરીકે પણ પ્રસિદ્ધ છે. ત્યાં પણ વર્ષોથી રામદેવજી મહારાજનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કાનગોપી, ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે.

ઉલ્લેખનિય છે કે, નવા રણુંજા મંદિરમાં આ ઉપરાંત વર્ષ દરમિયાન બાર બીજની ઉજવણી, દર મહિનાની સુદ બીજના દિવસે ધ્વજારોહણ, નવરાત્રિમાં ગરબી, રામદેવજી મહારાજના પાઠ, નવા વર્ષે અન્નકૂટ સહિતના કાર્યક્રમો યોજાય છે. પક્ષીઓ માટે ચણ, સવાર-સાંજ પ્રસાદની વ્યવસ્થા સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande