સુરત, 29 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા અને અમરોલી વિસ્તારની જ એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીતાનો બદમાશમાં દ્વારા કારમાં અવાર નવાર પીછો કરી હેરાન પરેશાન કરી છેડતી કરાઈ રહી હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે.આરોપી દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી શિક્ષિકાની રહેણાંક સોસાયટીના ગેટની બહાર ઉભો રહી તેમજ શાળામાં આવતી જતી વખતે કારમાં પીછો કરી છેડતી કરવામાં આવી રહી હતી.
અમરોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં રહેતા 33 વર્ષીય પરિણીતા અમરોલી વિસ્તારમાં જ આવેલી એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.દરમિયાન છેલ્લા ત્રણેક દિવસથી આરોપી ભાવેશ અશોક વિઠલાણી ( રહે - સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટી ઉમરા ગામ વેલંજા ) દ્વારા તેમનો પીછો કરી હેરાન પરેશાન કરી છેડતી કરવામાં આવી રહી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શિક્ષિકા દ્વારા આરોપી વિરુદ્ધમાં એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે છેલ્લા ત્રણેક દિવસથી તેઓ તેમના ઘરે હાજર હોય ત્યારે આરોપી ભાવેશ વિઠલાણી તેમની સોસાયટીમાં આટાંફેરા મારતો હતો.અને જયારે તેઓ પોતાની એક્ટીવા મોપેડ લઈને સ્કુલથી તેમના ઘરે જવા માટે નીકળે ત્યારે તેની ફોરવ્હીલ ગાડી લઈને તેમનો પીછો કરવા લાગ્યો હતો.એટલુંજ નહીં આરોપી શિક્ષિકાની સોસાયટીના ગેટથી થોડે દુર ઉભો રહીને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો.બદમાશની આ હરકતોથી કંટાળી જયારે તેને પૂછ્યું કે તુ મારી પાછળ કેમ આવ્યા કરે છે અને મારી સામે કેમ જોયા કરે છે ત્યારે આરોપી એવી ધમકી આપવા લાગ્યો હતો કે “હું અહી આવ્યા કરીશ તારાથી થાય તે કરી લેજે” આ રીતે આરોપી દવારા અવાર નવાર પીછો કરી હેરાન પરેશાન કરવામાં આવતા અંતે શિક્ષિકા દવારા બદમાશ ભાવેશ વિઠલાણી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપી ભાવેશ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધીને સમગ્ર બનાવની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે