પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)આદર્શ વિદ્યાલય, પાટણમાં ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો, જેનું આયોજન કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરાયું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરેશભાઈ ચૌધરી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા.
જિલ્લાની અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ કલા પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ગરબા, રાસ, લોકનૃત્ય, ભરતનાટ્યમ, કથક, એકપાત્રીય અભિનય, લોકગીત, ભજન, લગ્નગીત જેવી રમણિય રજૂઆતો સાથે સાથે શાસ્ત્રીય કંઠસંગીત, સુગમ સંગીત, વાદ્યસંગીત, ગઝલ, શાયરી, કાવ્યલેખન, ચિત્રસ્પર્ધા અને સર્જનાત્મક કારીગરી જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમના અંતે શાળાના સિનિયર શિક્ષક દિવેશભાઈ દવેએ આભારવિધિ વ્યક્ત કરી. જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો કેટલાં મહત્વપૂર્ણ છે એ વાત પર પ્રકાશ પાડ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ