અણખોલની સરકારી શાળાએ મહેસાણા જિલ્લામાં “સક્ષમ શાળા”નું પ્રથમ સ્થાન મેળવ્યું
મહેસાણા, 29 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લામાં શિક્ષણક્ષેત્રે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. અણખોલ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ જિલ્લા સ્તરે યોજાયેલી “સક્ષમ શાળા” પસંદગી પ્રક્રિયામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સરકારી શાળાઓમાં શિક
અણખોલની સરકારી શાળાએ મહેસાણા જિલ્લામાં “સક્ષમ શાળા”નું પ્રથમ સ્થાન મેળવ્યું


મહેસાણા, 29 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લામાં શિક્ષણક્ષેત્રે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. અણખોલ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ જિલ્લા સ્તરે યોજાયેલી “સક્ષમ શાળા” પસંદગી પ્રક્રિયામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકાઈ છે, જેમાં અનેક માપદંડો આધારિત મૂલ્યાંકન કરવામાં આવે છે.

અણખોલ શાળાએ શૈક્ષણિક પરિણામો, વિદ્યાર્થીઓની હાજરી, નવીન શિક્ષણ પદ્ધતિઓ, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા શાળાની વ્યવસ્થાપન ક્ષમતા જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ સફળતા બદલ આજ રોજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ શાળાને શિલ્ડ, પ્રમાણપત્ર તથા ઈનામ આપી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે શાળાના શિક્ષકમંડળે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ગામજનોના સહકારથી જ આ સિદ્ધિ શક્ય બની છે. અણખોલની આ સિદ્ધિથી મહેસાણા જિલ્લાના શિક્ષણક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સ્થાપિત થયો છે. આ સફળતા અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે અને સરકારી શાળાઓ પણ શ્રેષ્ઠ ગુણવત્તા પ્રદાન કરી શકે છે એ વાતને સાબિત કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande