પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.): પાટણ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચેના વિવાદે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલે શહેરમાં ધારાસભ્ય કિરીટ પટેલનું બેનર હટાવવાને લઈને વિવાદ થયો હતો. શહેર કોંગ્રેસના પ્રમુખ દીપક પટેલે આરોપ મૂક્યો હતો કે, ચીફ ઓફિસર સ્થળ પર આવી બેનર ફાડી નાખ્યું અને કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનોને ગુંડા કહી અપમાનિત કર્યા હતા.
આ ઘટનાના વિરોધમાં આજે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા બગવાડા દરવાજા પાસે ચીફ ઓફિસર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન ચીફ ઓફિસરના પૂતળાનું દહન કરીને ચીફ ઓફિસર હાય હાય, હાયરે ભાજપ હાય હાય અને ચીફ ઓફિસર હટાવો, પાટણ બચાવો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
દીપક પટેલે ચેતવણી આપી છે કે, જો ચીફ ઓફિસર ધારાસભ્ય તથા કોંગ્રેસ કાર્યકરોને ગુંડા કહ્યા બદલ જાહેર માફી નહીં માંગે તો આગામી સમયમાં કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલન કરશે. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો કે ચીફ ઓફિસર ભાજપના ઇશારે કાર્ય કરે છે અને પાટણના મુખ્ય પ્રશ્નો જેવી કે ભૂગર્ભ ગટરના કામ, ગંદકી અને પાણીની સમસ્યાઓ સામે નિષ્ક્રિય રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ