ગાંધીનગર, 29 ઓગસ્ટ (હિ.સ.): ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં આવેલી ઓમ લેન્ડમાર્ક સ્કૂલ મોટા ચિલોડા ખાતે કલેકટર ગાંધીનગર મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
નેશનલ સ્પોર્ટ્સ ડે શુભારંભ પ્રસંગે કલેકટર મેહુલ કે. દવેએ જણાવ્યું હતું કે, 29મી ઓગસ્ટને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્પોર્ટ્સના કેન્દ્ર તરીકે ભારત રમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને નવા કિર્તીમાન સ્થપાઈ રહ્યાં છે. આજના સમયમાં રમતો માત્ર મનોરંજન માટે નથી, રમતો થકી ટીમ વર્ક, મહેનત, શિષ્ટાચાર અને ખેલદિલીની ભાવના ઉજાગર થાય છે. રમતોથી અનેક ગુણો વિકાસ પામે છે તેથી જ જીવનમાં સ્પોર્ટ્સનું ખુબ જ મહત્વ છે. તેમણે કહ્યું કે, આપણા દેશના વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આજના વિદ્યાર્થીઓ દેશની આવતીકાલ છે માટે મેજર ધ્યાનચંદના મનમાં દેશ અને ભારત માતાનું નામ વિશ્વ ફલક પર લાવવાની જે દ્રઢ ભાવના હતી તે જ ભાવનાથી નવી પેઢી જો પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ યોગદાન આપે તો 2047 માં વિકસિત ભારત જોવાનું આજનું આપણું સ્વપ્ન ચોક્કસ પરિપૂર્ણ થશે.
તેમણે રમતવીરોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, શાસ્ત્રોમાં પણ કીધું છે કે, શરીર જેટલું મજબૂત હશે એટલી જ જીવનમાં ચિંતાઓ ઓછી, બીમારીઓ ઓછી હશે. અને વિદ્યાર્થી જીવન એ શરીર મજબૂત કરવાનું શ્રેષ્ઠ તબક્કો છે. સાથે જ તેમણે સ્પોર્ટ્સમેન સ્પિરિટ ની વ્યાખ્યા સમજાવતા, તરુણ અવસ્થાથી જ 24 કલાકમાંથી ઓછામાં ઓછો એક કલાક મેદાનમાં વિતાવવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલ દ્વારા પણ રાષ્ટ્રીય રમતગમત દિવસે ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે મેજર ધ્યાનચંદને લોકો હોકીના જાદુગર તરીકે ઓળખે છે, આ સાથે જ મેજર ધ્યાનચંદના જીવન સાથે સંકળાયેલી વાર્તા વિદ્યાર્થીઓને સંભળાવી તેમણે તેમનો ઉત્સાહ વધાર્યો હતો, અને કહ્યું હતું કે જ્યાં છીએ ત્યાં તે ફિલ્ડમાં મેજર ધ્યાનચંદ જેવું લક્ષ રાખી એવી પ્રેક્ટિસ થતી પરફેક્ટ બનીએ કે આપણી અવેજી કોઈ પૂરી ન શકે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. તથા ઉપસ્થિત મહાનુભાવો અને ખેલાડીઓ દ્વારા ફિટ ઈન્ડિયા અંતર્ગત જાતને શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ સાથે જ કલેકટર સહિતના મહાનુભાવો એ ચક દે ઇન્ડિયાના નારા સાથે રૂબરૂ ખેલ મેદાન માં ખેલાડીઓ દ્વારા રમાતી રમતો નિહાળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ઓમ લેન્ડમાર્ક સ્કૂલના પ્રિન્સિપલ શ્રી શિવમ ભટ્ટે સૌને આવકારી કાર્યક્રમમી રૂપરેખા આપી હતી.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત પાર્થ કોટડીયા, મામલતદાર મહેશ ગોહેલ, તાલુકા વિકાસ અધિકારી મલય ભુવા, શાળાના ટ્રસ્ટી અશોક દવે, જિલ્લા રમત ગમત અધિકારી મહેશ ચૌધરી ,જિલ્લા શાસનાધિકારીશ્રી, સ્પોર્ટ્સ સંકુલના રમતવીરો, સંબંધિત અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ