વડોદરા 29 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરમાં આવતા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ કવાયત હાથ ધરાઈ રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત થાય તે માટે વડોદરા શહેર પોલીસે કેન્દ્રીય સુરક્ષા દળોની સાથે મળી ફુટ માર્ચ યોજી. દૂધવાળા મહોલ્લા, યાકુતપુરા, પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં પોલીસે દળ સાથે ઉપસ્થિત રહી જનસમુદાયને સુરક્ષાનો સંદેશ આપ્યો.
ફુટ માર્ચ દરમિયાન પોલીસે નાગરિકોને વિશ્વાસ અપાવ્યો કે તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ કે અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસ તંત્ર સજ્જ છે. સાથે સાથે શાંતિ જાળવવા માટે જનતાને સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા તથા શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અનુરોધ કર્યો. આ કવાયતનો મુખ્ય હેતુ એ હતો કે, તહેવારોના દિવસોમાં શહેરમાં સૌહાર્દનું વાતાવરણ ટકી રહે અને કાયદા-સુવ્યવસ્થા પર કોઈ વિઘ્ન ન આવે. ગણેશોત્સવમાં મોટા પ્રમાણમાં વિઘ્નહર્તાના પંડાલો ઉભા થવાના હોવાથી ત્યાં વિશેષ નજર રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તહેવાર દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ, સીસીટીવી મોનિટરિંગ તથા દળની તૈનાતી કરવામાં આવશે.
આ ફુટ માર્ચ દ્વારા પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જનતાની સલામતી માટે તેઓ પૂર્ણ સજ્જ છે અને કાયદો તોડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની પ્રજાએ પણ પોલીસ સાથે સહકાર આપી શાંતિપૂર્ણ અને આનંદમય રીતે ગણેશોત્સવની ઉજવણી કરવી તેવો સંકલ્પ વ્યક્ત કર્યો. આ રીતે પોલીસ અને જનતાના પરસ્પર વિશ્વાસથી આવનારા દિવસોમાં શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને સૌહાર્દનું માહોલ જળવાઈ રહેવાની આશા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya