મહેસાણા, 29 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણા શહેરમાં આજ રોજ તનિષ્ક ગોલ્ડનો નવો શોરૂમ ભવ્ય આયોજન વચ્ચે લોકાર્પિત કરવામાં આવ્યો. આ શોરૂમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે અનેક અગ્રણીઓ, લોક પ્રતિનિધિઓ, ઉદ્યોગજગતના આગેવાનો તથા શહેરના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તનિષ્ક કંપની દ્વારા શરૂ કરાયેલ આ નવું શોરૂમ ગ્રાહકોને નવીન ડિઝાઇન, શુદ્ધતા અને વિશ્વસનીયતાની ખાતરી સાથે આકર્ષક સોનાના આભૂષણો પ્રદાન કરશે. શોરૂમના ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રીશ્રીએ વિશ્વસનીય બ્રાન્ડ તનિષ્ક દ્વારા મહેસાણા જેવી ઝડપી વિકસતી નગરીમાં શાખાની શરૂઆતને ગ્રાહકો માટે લાભદાયી ગણાવી. તેમણે જણાવ્યું કે આવા પ્રતિષ્ઠિત ઉદ્યોગો શહેરમાં રોકાણ કરે છે તેનાથી રોજગારીની નવી તકો ઊભી થાય છે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે.
શોરૂમ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે મહેસાણાના ગ્રાહકોને હવે વિશાળ કલેકશન સાથે વૈશ્વિક સ્તરના સ્ટાન્ડર્ડ મુજબની સેવાઓ ઉપલબ્ધ થશે. સાથે જ, તહેવારો અને વિશેષ પ્રસંગોને ધ્યાનમાં રાખીને વિશેષ ઑફર અને યોજનાઓ પણ રજૂ કરાશે.
આ ઉદ્ઘાટન પ્રસંગે મહેસાણા નગરીમાં સોનાના શોખીનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR