ગાંધીનગર, 29 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિનની વૈષ્ણવ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો છે. આ પ્લાન્ટ સીજી પાવર દ્વારા નિર્માણ પામ્યો છે. આ માહિતી રાજ્ય માહિતી વિભાગ એ આપી.
વિભાગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેમીકંડકટર સેક્ટર એક એવું સ્પેશિયલ સેક્ટર છે, જેમાં ભારતે આગળ વધવાની કલ્પના પણ નહોતી કરી પણ આજે આ સેક્ટરમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવેમ્બર ૨૦૨૪માં સીજી પાવરને આ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ભારત સરકાર તરફથી મંજૂરી મળી હતી. ટૂંકા ગાળામાં જરૂરી તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને એક વર્ષની અંદર આ પ્લાન્ટનો પ્રારંભ થયો છે, તે સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની વાત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત હરહંમેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે અગ્રેસર રહ્યું છે. જ્યારે પણ વડાપ્રધાનએ ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવવાનું આહ્વાન કર્યું છે ત્યારે ગુજરાતે હંમેશાં લીડ લીધી છે. સેમીકંડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને ફ્યુચર રેડી બનાવવા માટે વર્ષ ૨૦૨૨માં સેમી કંડક્ટર પોલીસી લોન્ચ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રમોટ કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે. ભારત સરકારે ગુજરાતમાં ચાર સેમી કંડક્ટર પ્લાન્ટની મંજૂરી આપી છે. ગુજરાત સમગ્ર દેશમાં માત્ર એક એવું રાજ્ય છે જ્યાં એક સાથે ચાર પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યા છે.
કેન્દ્રીય રેલવે અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટરના ૧૦ પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે. ગુજરાતમાં સાણંદ અને ધોલેરા ખાતેના સેમિકોન પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, એના માટે ટીમ ગુજરાત અભિનંદનને પાત્ર છે. ગુજરાતના સેક્રેટરી સીઈઓ જેમ કાર્ય કરે છે. મુખ્યમંત્રીશ્રી સહિતની સમગ્ર એફિશિયન્ટ ટીમને શુભેચ્છા પાઠવું છું, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનનું વિઝન છે કે ભારત સેમી કંડકટર ક્ષેત્રે હબ બને. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે સેમી કંડકટર પોલિસી બનાવી છે. રાજ્ય સરકારનો સતત મળતા સહયોગથી આ ક્ષેત્રે ઝડપી કામગીરી ચાલી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશનું સ્વપ્ન છે કે ભારતમાં જ સેમી કન્ડક્ટર ચીપની ડિઝાઇન થાય અને દેશમાં જ તેનું નિર્માણ થાય. સીજી પાવરના અહીંના પ્લાન્ટની પાયલોટ લાઈન પર ટૂંક સમયમાં દેશની પહેલી સેમિકન્ડક્ટર ચીપ તૈયાર થશે અને વડાપ્રધાનશ્રીના હાથે બહાર પડશે, એવી આશા કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
ભારત સેમીકન્ડકટર ક્ષેત્રે ટેલેન્ટપાવર બની રહેશે એવી આશા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશમાં 270 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સહયોગથી સેમીકન્ડકટર ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કૌશલ્યવાન યુવાનો આવનાર સમયમાં દેશની એક મોટી તાકાત બની રહેશે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આજે દેશની 70 યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ દ્વારા 25 જેટલી સેમિકન્ડક્ટર ચીપની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ પણ થઈ રહ્યું છે. વિશ્વમાં બહુ ઓછા દેશો એવા છે, જ્યાં ચીપની ડિઝાઇન અને નિર્માણ બંને આ રીતે થતા હોય.
આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, ભારત સરકારના ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના જોઈન્ટ સેક્રેટરી સુશીલ પાલ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ગુજરાત રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી, સીજી સેમીના સીઇઓ જેરી એગેન્સ્ટ તેમજ વોઈસ પ્રેસિડેન્ટ ઉપરાંત સીજી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ તેમજ પ્લાન્ટ પર કાર્યરત અધિકારી -કર્મચારીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ