અમરેલી, 29 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના લીલીયા મોટામાં ડાયમંડ ઉદ્યોગોને લાંબા સમયથી વીજ પુરવઠાની અસ્થિરતા અને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે આજે PGVCL કચેરી ખાતે વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
બેઠક દરમિયાન ડાયમંડ ઉદ્યોગકારોએ પોતાના પ્રશ્નો રજૂ કરતાં જણાવ્યું કે અવારનવાર થતા વીજ કાપ અને લો-વોલ્ટેજની સમસ્યાને કારણે મશીનરીનું ભારે નુકસાન થાય છે તેમજ ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર પડે છે. આથી ઉદ્યોગોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
વીજ વિભાગના અધિકારીઓએ તમામ રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી તાત્કાલિક નિવારણ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી. સાથે જ આગામી સમયમાં વીજ પુરવઠાને સુદ્રઢ બનાવવા માટે ટેકનિકલ સુધારા અને વધારાના ટ્રાન્સફોર્મર સ્થાપન જેવી યોજનાઓ અંગે ચર્ચા કરી.
બેઠક અંતે ડાયમંડ એસોસિએશન અને વીજ વિભાગ વચ્ચે સમન્વયથી સમસ્યા ઉકેલવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. આ ચર્ચાથી ઉદ્યોગકારોમાં આશાની કિરણ જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai