ભાવનગર , 29 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગરના કે.આર. દોશી ગ્રુપ ઓફ કોલેજિસ દ્વારા દર વર્ષે પરંપરા મુજબ શ્રી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કોલેજના પટાંગણમાં શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું. ગતરોજ યોજાયેલા આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરઓ, ટ્રસ્ટીઓ તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓએ હાજરી આપી દાદાના દર્શનનો લાભ લીધો.
સાંજે મહાઆરતીનો કાર્યક્રમ ભક્તિમય માહોલ વચ્ચે યોજાયો હતો. આરતી દરમિયાન કોલેજનું સમગ્ર પરિસર “ગણપતિ બાપા મોરીયા” ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવેલી સુંદર સજાવટ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણને કારણે ઉપસ્થિત સૌએ અનોખો આધ્યાત્મિક આનંદ અનુભવ્યો.
આ પ્રસંગે ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કોલેજના આ ધાર્મિક-સાંસ્કૃતિક પ્રયત્નોને બિરદાવ્યા હતા. વિદ્યાર્થીઓએ ગણેશજીના જીવનમાંથી શીખવા જેવી બાબતોને પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા લીધી.
કે.આર. દોશી ગ્રુપ ઓફ કોલેજિસ દ્વારા આવું આયોજન માત્ર ધાર્મિક શ્રદ્ધા પૂરતું નથી પરંતુ યુવા પેઢીને સંસ્કૃતિ સાથે જોડવાનો એક પ્રયાસ પણ છે. દર વર્ષે થતો આ મહોત્સવ ભાવનગરમાં ધાર્મિક એકતા અને ભક્તિભાવનો અનોખો સંદેશ આપતો રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai