ભાવનગર , 29 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર ખાતે આજે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા અધ્યક્ષસ્થાને હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ કાર્યક્રમમાં વિવિધ રમતગમત ક્ષેત્રે પ્રદર્શન કરનારા પ્રતિભાશાળી ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ યુવા પેઢીને રમતગમતમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી.
કેન્દ્રીય રાજ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે રમતગમત વ્યક્તિને શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપે છે. ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધારી રહ્યા છે, ત્યારે સરકાર તરફથી તેમને વધુ સુવિધાઓ અને તક પ્રદાન કરવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, રમતગમત અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ રમતોના પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ સરાહ્યા. ભાવનગરમાં યોજાયેલી આ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી યુવાનો માટે પ્રેરણાદાયક સાબિત થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai