પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાતને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત સરસ્વતી પોલીસે મહત્વપૂર્ણ કામગીરી અંજામ આપી છે. બાતમીના આધારે પોલીસ ટીમે વાયડ ગામની સીમમાં દરોડો પાડી ખેતરમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરનાર એક શખ્સને ઝડપી લીધો છે. આરોપી છેલાજી ઉર્ફે દલો ઉર્ફે ભગત ઠાકોર (ઉંમર 47) ખેતી કરતો હતો અને પોતાના કબજાના સર્વે નંબર 734 વાળા ખેતરમાં ગાંજાનું વાવેતર કરતું હોવાનું સામે આવ્યું છે.
પોલીસે સ્થળ પરથી બે ફૂટથી દસ ફૂટ ઊંચાઈના કુલ 32 ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેમનું કુલ વજન 7 કિલોગ્રામ છે. આ ગાંજાની બજાર કિંમત અંદાજે રૂપિયા 70,000 જેટલી છે. આ સાથે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમો 4(b), 4(c), 20(a)(i), 20(b)(ii)(b) અને 22(b) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરસ્વતી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી પાસેથી મળેલી વિગતોના આધારે નશાના જાળમાં સામેલ અન્ય વ્યક્તિઓ સુધી પહોંચી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ