પોરબંદર, 29 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની ટીમે શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા અંતર્ગત નોંધાયેલ ગણેશ પંડાલનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે જયશ્રી ટ્યુશન ક્લાસીસ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ આધારિત ગણેશ પંડાલ તૈયાર કરી પહેલગામ એટેકની ઇન્ફર્મેશન આપવાની સાથે દેશના વીર જવાનોના શોર્યનો સંદેશ આપ્યો છે.
પોરબંદરની આયોજક સંસ્થાઓ ગણેશ મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર પ્રેરિત પ્રોત્સાહક પ્રતિયોગીતામાં સહભાગી થયા છે. આયોજકોએ આ યોજના-વ્યવસ્થાને આવકારી છે.
ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવને વધુ સર્જનાત્મક, સંસ્કારી તથા પ્રેરણાદાયક બનાવવા માટે આયોજિત સ્પર્ધામાં પોરબંદર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિયોગિતા પ્રથમ ક્રમે આવનાર પંડાલને રૂપિયા 5,00,000, દ્વિતીય ક્રમે આવનાર પંડાલને રૂપિયા 3,00,000, તૃતીય ક્રમે આવનાર પંડાલને રૂપિયા 1,50,000તથા રૂપિયા 1,00,000 નાં પાંચ પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે. ત્યારે રાજ્ય સરકારની આ પહેલ સાથે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ વિશેષ આયોજન થયું છે. શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું પોરબંદર મહાનગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા આ પ્રતિયોગિતામાં શ્રેષ્ઠ 3 પંડાલ તેમજ ૫ પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે, તેવું જણાવ્યું હતું. અને આ પ્રતિયોગીતા અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકાની ટીમે શહેરમાં ગણેશ પંડાલનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં જયશ્રી ટ્યુશન ક્લાસીસ દ્વારા વિશેષ રીતે ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂરની થીમ આધારિત ગણેશ પંડાલ બનાવાયો છે, અને આ ગણેશ પંડાલમાં પહેલગામ એટેક અંગેની ઇન્ફર્મેશન આપવામાં આવી છે, તેમજ આ એટેક બાદ દેશના વીર જવાનોએ ઓપરેશન સિંદૂર પાર પડ્યું છે તે દેશના વીર જવાનોની શોર્ય ગાથાને વર્ણવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya