પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)હારીજ તાલુકાના કાતરા ગામમાં વાહન તોડફોડ અને ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ગામના રહેવાસી દેવેન્દ્રભાઈ હીરાભાઈ ચૌધરી (ઉંમર 37)એ માલસુંદ ગામના ત્રણ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દેવેન્દ્રભાઈની ફરિયાદ મુજબ, 27 ઓગસ્ટે રાત્રે 10:15 વાગ્યે તેમની ઘરની બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ કાર (GJ 24 AU 2102)માં આર્યન યોગેશભાઈ જોષી અને ભૌમિક યોગેશભાઈ જોષીએ તોડફોડ કરી હતી. તોડફોડથી અંદાજે ₹60,000નું નુકસાન થયું હતું.
આ ઉપરાંત, આરોપીઓના પિતા યોગેશભાઈ જોષીએ દેવેન્દ્રભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમામ આરોપીઓ માલસુંદ ગામના હોવાનું જાણવા મળ્યું છે. હારીજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ