ગાંધીનગર, 29 ઓગસ્ટ (હિ.સ.): આજરોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ અને મહિલા સશક્તિકરણ માસ નિમિત્તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન અને ક્રીડા ભારતીના સહયોગથી સેક્ટર 29 સ્થિત કેમ્પસ ખાતે વુમન રેપિડ ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વુમન રેપિડ ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ ડૉ. નરોત્તમ સાહુ (એડવાઈઝરશ્રી, ગુજકોસ્ટ, DST), કુલપતિ ડૉ. ટી. એસ. જોષી, કુલસચિવ ડૉ. નીલેશ પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો.
ગુજરાતના 24 જિલ્લાઓમાંથી આવેલી 150થી વધુ મહિલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ વાત એ રહી કે 7 વર્ષની બાળકીથી લઈ 65 વર્ષની વરિષ્ઠ મહિલા ખેલાડીઓએ ચેસબોર્ડ પર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી ઉમર માત્ર એક આંકડો હોવાનું સાબિત કર્યું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન ડૉ. નરોત્તમ સાહૂએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મહિલાઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, ચેસ માત્ર રમત નથી, પરંતુ વિચારશક્તિ, એકાગ્રતા અને વ્યૂહરચનાનો અભ્યાસ છે. મહિલા સશક્તિકરણ માસ અને રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાવતું એક અનોખું મંચ છે. આ પ્રયાસ સમાજમાં મહિલાઓના નેતૃત્વ અને પ્રતિભાને નવી દિશા આપશે.
જ્યારે કુલપતિ ડૉ. ટી. એસ. જોષીએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું કે, રમતગમત જીવનનો અભિન્ન ભાગ છે. જીત-હાર કરતાં વધુ મહત્વનું છે રમતમાંથી મળતી શિસ્ત, ધીરજ અને શીખ. આજની સ્પર્ધામાં 7 વર્ષની બાળકીથી લઈને 65 વર્ષની મહિલા ખેલાડીએ આપેલો સંદેશ એ છે કે, ઉંમર ક્યારેય અવરોધ નથી. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનું ધ્યેય આવા આયોજનો દ્વારા બાળકો અને સમાજમાં રમતગમતની સાચી ભાવના વિકસાવવાનું છે.
વુમન રેપિડ ચેસ ટુર્નામેન્ટમાં કુલ સાત રાઉન્ડની ગેમ રમાડવામાં આવી હતી. સાત રાઉન્ડના અંતે 7 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે અમદાવાદની રયના પટેલ, દ્વિતીય ક્રમાંકે 6.5 પોઈન્ટ સાથે કચ્છની સંયમી શાહ, તૃતીય ક્રમે 6 પોઈન્ટ સાથે મહિસાગર જિલ્લાની દિવ્યાબેન ચૌહાણ, ચોથા ક્રમે અમદાવાદની બોદર ખ્યાતિ અને પાંચમા ક્રમે અમદાવાદની ચૌહાણ નેહાબેને સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ