નવસારી , 29 ઓગસ્ટ (હિ.સ.)-સમગ્ર દેશમાં દર વર્ષે હોકીના જાદુગર સ્વ. મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઊજવવામાં આવે છે. જે અન્વયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-નવસારી તથા જિલ્લા વહીવટી તંત્ર નવસારીના સંયુક્ત આયોજનથી બીલીમોરાની વી.એસ. પટેલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષતા હેઠળ ઉત્સાહભેર નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનું કરવામાં આવી હતી.
આ વર્ષે ઉજવણીની થીમ “હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન – ખેલ ભી, ખીલે ભી” ના સંદેશ સાથે જિલ્લાભરમાં રમતગમતના પ્રોત્સાહન માટે વિવિધ રમત ગમતની પ્રવૃત્તિઓ ત્રણ દીવસ સુધી યોજાનાર છે .
કાર્યક્રમના અધ્યક્ષ તથા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ કહ્યું કે – “ગામડાંથી શહેર સુધી રમતોને પ્રોત્સાહન આપવું એ સરકારનું રમતના ક્ષેત્રેમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ‘ખેલ મહાકુંભ’ જેવી યોજનાઓ દ્વારા દરેક યુવક-યુવતીને ખેલના ક્ષેત્રે પોતાનું કૌશલ્ય સાબિત કરવાની તક મળી રહી છે. રમત એ જીવનને આનંદમય અને સક્રિય બનાવે છે.”
આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિ રહી સૌને સંબોધતા જણાવ્યું કે “રમત માત્ર શરીરની તાકાત વધારતી નથી પરંતુ માનસિક દૃઢતા, ટીમ વર્ક અને જીવનમાં સંયમનું પણ સંસ્કાર આપે છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘ખેલ મહાકુંભ’ ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો ઉત્તમ મંચ છે. યુવાનો આ તકે આગળ આવી જિલ્લા તથા રાજ્યનું ગૌરવ વધારશે તેવી આશા છે.”
કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં રમતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ખેલાડીઓએ આ સન્માનને પ્રેરણા રૂપ માનીને ભવિષ્યમાં વધુ ઉંચાઈ હાંસલ કરવા સાથે ફિટ ઈન્ડિયા અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા લઈ સંકલ્પબદ્ધ થયા હતા.
આ પ્રસંગે નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે , જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા , ચીખલી પ્રાંત મિતેશ પટેલ , જિલ્લા રમત અધિકારી અલ્પેશ પટેલ તથા બીલીમોરા નગરપાલિકાના સભ્યો , સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં જીલ્લાના રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે