ભાવનગર , 29 ઓગસ્ટ (હિ.સ.): ભાવેણાની પાવન ધરા પર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘ દ્વારા આયોજિત ૫૩૧ સિદ્ધિ તપના મહોત્સવને અનુલક્ષીને દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત થઈ રહ્યા છે. આ પ્રસંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગર એરપોર્ટ પર આગમન સમયે સ્થાનિક આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ અને જનસામાન્યે આત્મીય આવકાર આપ્યો હતો.
તપસ્વીઓની આ વિશાળ અનુમોદના માત્ર જૈન સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ તપના દ્વારા સમાજમાં અહિંસા, ત્યાગ અને સંયમ જેવા મૂલ્યોને પ્રોત્સાહન મળે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ તપસ્વીઓના દિવ્ય સંકલ્પથી સમાજમાં શાંતિ અને સંસ્કારનો સંદેશ પ્રસરે છે. સી.આર. પાટીલએ પણ તપસ્વીઓ પ્રત્યે આદર વ્યક્ત કરતાં કહ્યું કે આવા ધાર્મિક પ્રસંગો ગુજરાતની ધાર્મિક-સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરે છે.
ભાવેણા ધામે યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં અનેક સામાજિક તથા ધાર્મિક આગેવાનો જોડાવાના છે. તપસ્વીઓની અનુમોદના માટે ભાવનગર શહેર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ અવસરે ભાવનગરવાસીઓએ મહાનુભાવોના આગમન પર ઉત્સાહભેર આવકાર વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai