પાટણ, 3 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે રિક્ષા અને સાયકલ વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો હતો. સાયકલ ચલાવી રહેલું બાળક વળાંક લેતું હતું, તે દરમિયાન સામેથી આવી રહેલી રિક્ષા સાથે તેની જોરદાર ટક્કર થઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકને બચાવવાના પ્રયાસમાં રિક્ષા પલટી મારી ગઈ અને મુસાફરો રોડ પર ફંગોળાઈ ગયા.
આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રિક્ષા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતમાં બાળકને સામાન્ય ઇજાઓ થઈ હતી, જ્યારે રિક્ષામાં સવાર તમામ મુસાફરોનો સદનસીબે આબાદ બચાવ થયો. ઘટનાને કારણે કેટલાક સમય માટે સ્થાનિક વાતાવરણ તંગ બન્યું હતું.
આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિસ્તારમાં વાહનોની અવરજવર વધારે રહે છે અને આવા અકસ્માત અટકાવવા માટે યોગ્ય સલામતીના પગલાં લેવાં જરૂરી છે. રહીશોએ પણ સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાની માગ ઉઠાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર